મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 13 ઑક્ટોબર 2020 (13:53 IST)

US Election - કોરોનાથી ઠીક થયા પછી ટ્રમ્પ ફરી ઈલેક્શન મૂડમા, હજારોની ભીડને આપ્યુ ભાષણ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના પૉઝિટિવ આવ્યાના બે અઠવાડિયા પછી ચૂંટણીઅભિયાન ફરી શરૂ કર્યું છે. ફ્લૉરિડાના સૅનફર્ડમાં ડોનાલ્ડ ટ્રમ્પની એક રૅલીમાં હજારો લોકો ભેગા થયા હતા. આવતા ચાર દિવસમાં ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી માટે મહત્ત્વપૂર્ણ એવાં ચાર રાજ્યોમાં ચૂંટણીપ્રચાર કરશે. હવે ચૂંટણીમાં ત્રણ અઠવાડિયાનો સમય બાકી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના પ્રતિસ્પર્ધી જો બાઇડન હવે મતદારોને આકર્ષવા જોર લગાવી રહ્યા છે.
 
ઓહાયોમાં સોમવારે જો બાઇડને એક ચૂંટણી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ઓહાયો સ્વિંટ સ્ટેટ ગણાય છે .રિયલ ક્લિયર પૉલિટિક્સ દ્વારા એકત્રિત કરવામાં આવેલી માહિતી મુજબ અત્યાર સુધીના ચૂંટણી પોલ મુજબ જો બાઇડને ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં દસ પૉઇન્ટની લીડ લીધી છે. જોકે ફ્લોરિડા જેવા અનેક રાજ્યોમાં લીડનું અંતર ઘણું ઓછું છે.
 
ડોનાલ્ડ ટ્રમ્પ 11 દિવસ પહેલાં કોરોના પૉઝિટિવ થયા હતા અને તેમને વૉલ્ટર રીડ મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા.રવિવારે તેમના અંગત ડૉક્ટરે કહ્યું હતું કે હવે તેઓ કોરોના સંક્રમણ ફેલાવવાના ખતરાથી બહાર છે અને સોમવારે જણાવ્યું હતું કે તાજેતરના દિવસોમાં સતત કરેલા કોરોના ટેસ્ટ નૅગેટિવ આવ્યા હતા. જોકે ટેસ્ટની તારીખોની માહિતી આપવામાં નહોતી આવી.
 
ટ્રમ્પે શું કહ્યું?
 
કોરોના સંક્રમણમાંથી સાજા થયા પછી ટ્રમ્પે ફરી શરૂ કરેલા ચૂંટણી અભિયાનમાં તેમણે પહેલાંની જેમ જો બાઇડન પર નિશાન સાધ્યું હતું.તેમણે તેમના શાસનકાલમાં સ્ટૉક માર્કેટમાં આવેલી તેજી, યુએસ સ્પેસ ફોર્સ અને સુપ્રીમ કોર્ટમાં બે કન્ઝર્વેટિવ જજોની પુષ્ટિ વિશે વાત કરી હતી.તેમની રૅલીમાં હજારો લોકો જોડાયા હતા અને કેટલાય લોકોએ માસ્ક નહોતો પહેર્યો. ટ્રમ્પે રૅલીને સંબોધતા કોરોનાને કારણે શટડાઉનને વધારવાની યોજનાને નકારી હતી, ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓ શટડાઉનને ટેકો આપી રહ્યા છે.
 
તેમણે જો બાઇડનની માનસિક ક્ષમતા પર પણ પ્રશ્નો કર્યા હતા. 
 
કોવિડ-19માંથી સાજા થવાના પોતાના અનુભવનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, "તે લોકો કહે છે કે હું ઇમ્યુન છું. હું બહુ શક્તિશાળી અનુભવ કરું છું. હું બધાને ચુંબન આપીશ. હું આ પુરુષો અને સુંદર સ્ત્રીઓને ચુંબન આપીશ. " ફ્લૉરિડા જેને સનશાઇન સ્ટેટ ગણવામાં આવે છે ત્યાંથી ટ્રમ્પે ફરી ચૂંટણી અભિયાન શરૂ કર્યું, એ વાત આશ્ચર્યજનક નથી.તેઓ ફ્લૉરિડા જીતવા પણ માગે છે અને તેમને આ રાજ્ય પર વિજયની જરૂર પણ છે. 2016ની ચૂંટણીમાં તેમણે અહીં બહુ ઓછા માર્જિનથી વિજય મેળવ્યો હતો.
 
તેમની રૅલીમાં તેમનો જુસ્સો જોઈને કહી શકાય કે તેઓ કોરોના વાઇરસ સંક્રમણ પછી તેના વિશે તેમનો અભિપ્રાય બદલાયો છે. આવનારા દિવસોમાં પેનસિલવેનિયા, આયોવા અને નૉર્થ કૅરોલાઇનામાં પણ તેમના કાર્યક્રમોમાં કોરોના વાઇરસને લઈને સાવચેતી વર્તવાને લઈને તેમના વલણમાં ફેરફાર આવશે એવા સંકેત નથી દેખાતા. માસ્ક પહેરવાને લઈને તેમનું વલણ નિષ્ણાતોમાં ટીકાનું પાત્ર બન્યું છે. હૉસ્પિટલથી રજા મળ્યા બાદ જ્યારે તેઓ પાછા ફર્યા હતા ત્યારે પણ તેમણે માસ્ક કાઢીને લોકોનું અભિવાદન કર્યું હતું.
 
નિષ્ણાતોએ માસ્ક પહેરવા માટે લોકોને પ્રેરિત ન કરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન ન કરવા માટે તેમની ટીકા કરી છે. બાઇડને પણ તેમની ટીકા કરતા કહ્યું, રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્ટૅનફર્ડમાં ગેરજવાબદારીપૂર્વક વર્તન કર્યું, ડર ફેલાવ્યો અને વિભાજનકારી વાતો કરી."