સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 26 ઑગસ્ટ 2017 (14:50 IST)

તરણેતરના મેળાને સ્વાઈન ફૂલની અસર: મુલાકાતીઓની પાંખી હાજરી

ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર સમાન તરણેતરના મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જોકે, રાજયમાં સ્વાઈન ફ્લૂએ લીધેલા ભરડાને લઈ તરણેતરના આ મેળાને પણ સ્વાઈન ફ્લૂનુ ગ્રહણ લાગ્યુ છે. મેળામાં શરૂઆતના દિવસે મુલાકાતી લોકોની પાંખી હાજરી જોવા મળી હતી. તો ચાલુ વર્ષે મેળામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મંત્રીઓ પણ મુલાકાત લેનાર નથી. મહત્વનું છે કે ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના સાનિધ્યમાં પાળિયાદના મહંત નિર્મળાબાના હસ્તે પરંપરા મુજબ ધજા ચડાવીને મેળાનો પ્રારંભ કરાવાયો હતો. પ્રથમ દિવસે ગ્રામ્ય ઓલિમ્પિક સહિતની રમતોનો પ્રારંભ પણ થયો હતો. રાજયના ભાતિગળ તરણેતરના મેળામાં દેશ-વિદેશમાંથી મોટીસંખ્યામાં મુલાકાતીઓ દર વર્ષે આવી છે. મેળાના મુખ્ય આકર્ષણ ગુજરાતના ગરબા, છત્રીઓ અને હુડા રાસ છે. મેળામાં ગુજરાત ટૂરિઝમ દ્વારા ટેન્ટ, રહેવા-જમવા સહિતના વ્યવસ્થા કરવામાં આવતા દેશ-વિદેશના અનેક મુલાકાતીઓ આવે છે. મેળામાં દર વર્ષે રાજયના મુખ્યમંત્રી સહિત પ્રધાનમંડળના સભ્યો પણ હાજર રહીને રાસ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો માણે છે. રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમના વિજેતાઓને ઈનામ વિતરણ પણ કરવામાં આવે છે. ચાલુ વર્ષે રાજયમાં સ્વાઈન ફ્લૂના ભરડાને જોતા પ્રથમ દિવસથી જ મેળામાં મુલાકાતીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે. મેળામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મંત્રીઓ હાજર રહેવાના નહીં હોવાથી વર્ષોની પરંપરા પણ તૂટશે. સ્વાઈન ફ્લૂને લઈને મેળામાં પ્રવેશ દ્વાર પર સઘન ચેકિંગ સહિતના તકેદારીના પગલા લેવામાં આવ્યાં છે. મહત્વનુ છે કે, તરણેતરના મેળાનો પરંપરા મુજબ પાળિયાદના મહંત નિર્મળાબાના હસ્તે ત્રીનેત્રેશ્વર મહાદેવના મંદિરે ધજા ચડાવીને પ્રારંભ કરાવાયો હતો. આ પ્રસંગે સંસદિય સચિવ શામજી ચૌહાણ સહિત આગેવાનો હાજર રહ્યાં હતા. મેળામાં ગ્રામ્ય રમતગમતો અને પ્રાણી હરિફાઈનો પ્રારંભ થયો હતો.