બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 11 ડિસેમ્બર 2021 (16:41 IST)

રાજકોટમાં નિવૃત્ત SRP મેનના પુત્રએ ફાયરિંગ કરી જીવન ટૂંકાવ્યું

રાજકોટમાં ફરી એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે, જ્યાં નિવૃત્ત SRP મેનના પુત્રએ પરિવારજનોને 'તમે જાઓ, હું ટીવી જોઇને આવું છું' કહેતાં પરિવાજનો ઉપર રૂમમાં સૂવા ગયાં હતાં. એ સમયે યુવકે ટીવીનું વોલ્યુમ વધારી પિતાની શોટગનમાંથી ફાયરિંગ કરીને જીવન ટૂંકાવ્યું હતું. હાલ ભક્તિનગર પોલીસે આ બનાવ અંગે ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ભકિતનગર સર્કલ નજીક જલારામ ચોક પાસે પટેલ વાડીની સામે ગાયત્રીનગર શેરી નં.5માં રહેતા યુવરાજસિંહ ઘનશ્યામસિંહ ચૂડાસમા રાત્રે પોતાના ઘરે નીચેના રૂમમાં પિતા ઘનશ્યામસિંહ લાખુભા ચૂડાસમા તથા માતા-બહેન સાથે ટીવી જોતા હતા. રાત્રે 12 વાગ્યા આસપાસ પરિવારજનો સૂવા માટે ઉપરના રૂમમાં જતાં પહેલાં યુવરાજસિંહને પૂછતાં 'તમે જાઓ, હું ટીવી જોઇને આવું છું' એમ કહેતાં તેઓ ઉપરના રૂમમાં ગયાં હતાં. પુત્ર સૂવા ન આવતાં પિતા તેને બોલાવવા માટે નીચે ઊતરતાં યુવરાજસિંહ સેટી ઉપર લોહી-લુહાણ હાલતમાં જોવા મળતાં પિતાએ દેકારો મચાવતાં પરિવારજનો તથા આસપાસના લોકો દોડી આવ્યાં હતાં.પરિવારજનોએ પોલીસને જણાવ્યું કે ગઇકાલે રાતે ભોજન લીધા બાદ ઘનશ્યામસિંહ અને તેમના પત્ની ઉપરના રુમમાં સૂવા ગયા અને પુત્ર યુવરાજસિંહ નીચેના રુમમાં ટીવી જોતો હોય ત્યારે પિતાની લાયસન્સવાળી 12 બોરની બંદૂકમાંથી તેણે ફાયરીંગ કરી આપઘાત કરી લીધો હતો. યુવરાજસિંહ પરિવારનો એકનો એક પુત્ર હતો. તેના લગ્ન હજુ થયા ન હતા. બહેન પણ હજુ અપરિણીત હોવાનું જાણવા મળ્યું છે.પ્રાથમિક તપાસમાં યુવરાજસિંહના આપઘાત પાછળ પ્રેમપ્રકરણ કારણભૂત હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે હાલ તેનો મોબાઈલ કબજે લઇ તે તપાસ અર્થે સાયબર ક્રાઇમમાં મોકલી આપ્યો છે જેના આધારે સત્ય હકીકત જાણવા મળશે.​​​​​​​