સંબંધિત સમાચાર
- હર્ષ સંઘવીનો શક્તિ પ્રયોગ: મહિલા IPS ગગનદીપ ગંભીર, પરિક્ષિતા રાઠોડ અને વિધિ ચૌધરીને મળી મોટી જવાબદારી
- નેત્રમ રેન્કિંગમાં જૂનાગઢ, ગાંધીનગર અને ગાંધીધામનો દબદબો: DGP K.L.N. રાવે એવોર્ડ આપી પોલીસની પીઠ ઠોંકી
- અમદાવાદના રસ્તા પર ગુજરાતી અભિનેતાની ધમાલ...મૂવી પ્રમોશન માટે ખતરનાક સ્ટંટ પર FIR નોંધાયો - Video
- ઈમરજેંસીમાં Dial 112, ગુજરાતમાં 'જનરક્ષક પ્રોજેક્ટ' ની શુભ શરૂઆત, અમિત શાહે 500 વાહનોને આપી લીલી ઝંડી - વિડિઓ
- 8 વર્ષના બાળકે પોતાની આંખો સામે પિતા અને પછી માતાને મરતા જોયા, માતાએ પિતાને મારીને ખુદ લગાવી લીધી ફાંસી
પોલીસકર્મીઓ માટે સરકારનો મોટો નિર્ણય: લગ્ન અને શિક્ષણ લોનની મર્યાદામાં તોતિંગ વધારો, હવે ૨થી વધુ સંતાનો વાળાને પણ મળશે લાભ
Gujarat Police Welfare Fund
રાજ્યના પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ માટે સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહત આપનારો નિર્ણય લીધો છે. પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારોના કલ્યાણ માટે કાર્યરત 'પોલીસ વેલ્ફેર ફંડ' (પોલીસ કલ્યાણ ભંડોળ) ના નિયમોમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. લાંબા સમયથી ચાલી આવતી માંગણીઓ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લોન, આરોગ્ય અને સંતાનોના અભ્યાસ અંગેના નિયમોને વધુ ઉદાર અને કલ્યાણકારી બનાવવામાં આવ્યા છે.
2 કરતાં વધુ સંતાન ધરાવતા કર્મીઓને મોટી રાહત
નવા નિયમો મુજબ, અત્યાર સુધી જે સરકારી યોજનાઓમાં બે સંતાનોની મર્યાદા નડતી હતી, તેમાં પોલીસ વેલ્ફેર ફંડ અંતર્ગત મોટી રાહત આપવામાં આવી છે. હવે બે કરતાં વધુ સંતાનો ધરાવતા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને પણ આ ફંડના તમામ લાભો અને સહાય મળવાપાત્ર રહેશે. આ સહાય આપવા માટે કર્મચારીના પગારમાંથી માત્ર એક દિવસની રકમ કાપીને બાકીની લોન કે આર્થિક સહાય ચૂકવવાની સરળ પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે.
દેશ-વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે રૂ.15 લાખ સુધીની લોન
પોલીસ કર્મચારીઓના સંતાનો દેશ કે વિદેશમાં પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે તે માટે શિક્ષણ લોનની મર્યાદામાં તોતિંગ વધારો કરાયો છે. ભારતમાં આવેલી માન્ય નેશનલ યુનિવર્સિટી કે કોલેજોમાં ઉચ્ચ અભ્યાસ (Higher Education) માટે રૂ.10 લાખ સુધીની લોન મળશે. જ્યારે વિદેશમાં જઈને અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે આ લોનની મર્યાદા રૂ.15 લાખ સુધીની કરવામાં આવી છે, જે ખૂબ જ સરળ શરતો પર મંજૂર થશે.
દીકરા-દીકરીના લગ્ન માટે હવે મળશે રૂ.5 લાખની લોન
ઘરમાં જ્યારે કોઈ લગ્ન પ્રસંગ હોય ત્યારે પોલીસ કર્મચારીઓને આર્થિક તંગીનો સામનો ન કરવો પડે અને વ્યાજખોરોના ચક્કરમાં ન ફસાવું પડે તે માટે સરકારે લગ્ન લોનની મર્યાદામાં મોટો વધારો કર્યો છે. અગાઉ સંતાનોના લગ્ન માટે પોલીસ કલ્યાણ ભંડોળમાંથી માત્ર દોઢ લાખ રૂપિયા સુધીની લોન મળતી હતી, જેની મર્યાદા હવે વધારીને સીધી રૂપિયા 5 લાખ કરી દેવામાં આવી છે.
પોલીસકર્મીઓ માટે નિયમિત ફ્રી હેલ્થ ચેકઅપ
દિવસ-રાત કાળી મજૂરી કરતા અને સતત તણાવપૂર્ણ (Stressful) માહોલમાં નોકરી કરતા પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્યની ચિંતા કરીને સરકારે આ યોજનામાં એક નવો નિયમ ઉમેર્યો છે. હવે તમામ નાના-મોટા કર્મચારીઓ માટે એક નિશ્ચિત મર્યાદાની રકમનું ફ્રી હેલ્થ ચેકઅપ નિયમિત અંતરે કરાવવામાં આવશે. આ મેડિકલ તપાસના તમામ ડેટા ડિજિટલ રેકોર્ડ તરીકે સાચવવામાં આવશે જેથી ભવિષ્યમાં સારવારમાં મદદ મળી રહે.
સમગ્ર પોલીસ બેડામાં ખુશીનો માહોલ
સરકાર દ્વારા પોલીસ વેલ્ફેર ફંડના વાર્ષિક બજેટને પણ રૂ 5 કરોડથી વધારીને રૂ.10 કરોડ કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ પોલીસ લાઈનમાં ચાલતા બાલમંદિર અને ચાઈલ્ડ કેર સેન્ટરની મહિલા કર્મચારીઓના પગારની અસમાનતા પણ દૂર કરાશે. સરકારના આ ઐતિહાસિક અને લોકાભિમુખ નિર્ણયોને પગલે રાજ્યના હજારો પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.
