બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 12 ઑગસ્ટ 2021 (21:46 IST)

સુનાવણી:એરફોર્સના જવાને વેક્સિનેશન બાબતે હાઈકોર્ટમાં પીટિશન દાખલ કરી, કોર્ટમાં કહ્યું, મને કોઈ તકલીફ નથી માટે રસી નથી લીધી

એરફોર્સના 9 જવાનને શૉ કોઝ નોટીસ અપાઈ હતી જેમાં એક જવાને નોટીસનો જવાબ આપ્યો હતો.
કોરોના વેક્સિનેશન માટે લોકોને જાગૃત કરવા સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. રસીકરણ માટે ખાસ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં જામનગરના IAF જવાને વેક્સિનેશનને લઈને હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. આ જવાને કોર્ટમાં રજુઆત કરી હતી કે કોઈ તેને વેક્સિન લેવા માટે ફોર્સ કરી શકે નહીં. જો આવું થાય તો તેના મૂળભૂત અધિકારોનું હનન થાય. આ જવાને કોર્ટમાં વેક્સિન નહીં લેવા પાછળનું કારણ પણ જણાવ્યું હતું. તેણે કારણ જણાવતાં કહ્યું હતું કે આ વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટેની મંજુરી મળી છે. જેથી તેને કોઈ તકલીફ નહીં હોવાથી આ વેક્સિન મુકાવી નથી.
 
જવાનોની સુરક્ષાની જવાબદારી પણ IAFની બને છે
આસિસ્ટન્ટ સોલિસીટર જનરલ દેવાંગ વ્યાસે કોર્ટમાં એફિડેવિટ રજુ કરીને ઉલ્લેખ કર્યો હતો કે, IAFની પોલીસ પ્રમાણે આ વેક્સિન લેવી ફરજિયાત છે. જ્યારે IAFમાં કોઈ જોડાય છે ત્યારે તે તમામ પોલિસીને અનુસરવાની પ્રતિજ્ઞા લે છે. તે ઉપરાંત IAFએ ફ્રન્ટલાઈન વોરિયરની કેટેગરીમાં આવે છે. જેથી આ અરજદાર સાથે બાકીના જવાનોની સુરક્ષાની જવાબદારી પણ IAFની બને છે.
 
દેશમાં 9 જવાનોએ વેક્સિન લેવાની ના પાડી હતી
દેશમાં 9 જવાનોએ કોરોનાની વેક્સિન લેવાની ના પાડી હતી. એ તમામ જવાનોને શો-કોઝ નોટીસ પાઠવવામાં આવી છે. જેમાં આઠ જવાનોએ જવાબ આપ્યો છે અને એક જવાને જવાબ નથી આપ્યો. જવાબ નહીં આપનાર જવાનને ટર્મીનેટ કરવામાં આવ્યો છે. અરજદારે કોર્ટમાં આવતા પહેલાં ઉપરી અધિકારી કે આર્મ્સ ફોર્સ ટ્રીબ્યુનલમાં પોતાની રજુઆત કરવી જોઈએ. તેમણે નોટીસનો જવાબ આપ્યો છે. જેથી અમે તેમના વિરૂદ્ધ પગલાં લીધા નથી. તેઓ હજી પણ IAFના અધિકારીને કે આર્મ્સ ફોર્સ ટ્રીબ્યુનલને રજુઆત કરી શકે છે.
 
હાઈકોર્ટે પીટિશનને ડિસ્પોઝ કરી
અરજદારે કહ્યું કે, મને બીજી નોટીસ મળી છે જેમાં કહેવામાં આવ્યું છે કે, આ મામલે પગલાં લેવાશે અને આ વર્તન ચલાવી લેવામાં નહીં આવે. જેથી અરજદારે કોર્ટને આ મામલે પણ રજુઆત કરી છે. હાઈકોર્ટે આ તમામ રજુઆત સાંભળીને કહ્યું કે, આ નોટીસ કે ઓર્ડરને લઈને 2 સપ્તાહ સુધી તમારા પર પગલાં લેવામાં નહીં આવે.તમારા ઉપરી અધિકારી સાથે આ તમામ પુરાવા અને તમારા હક વિશેની રજુઆત કરો. તેઓ આ મુદ્દાનો નિકાલ લાવવામાં તમારી મદદ કરશે. તે ઉપરાંત હાઈકોર્ટે IAFને પણ ઓર્ડર કર્યો છે કે આ મામલે અરજદારની રજુઆત સાંભળી સપ્તાહમાં નિકાલ લાવો. હાઈકોર્ટે કહ્યું હતું કે આ પિટિશનને ડિસ્પોઝ કરવામાં આવે છે.