શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 16 જાન્યુઆરી 2018 (14:24 IST)

જાણો મોદી અને તોગડીયાના સંબંધોમાં ખટાશ કેવી રીતે આવી?

સોમવારે અમદાવાદ ખાતે વિશ્વ હિંદૂ પરિષદ(VHP)ના કદાવર નેતા પ્રવિણ તોગડીયાના ગૂમ થવાના અને પછી નાટકીય ઢબે અર્ધબેભાન હાલતમાં મળી આવવાની ઘટના બાદ રાજય અને દેશના  રાજકીય વર્તુળમાં વડાપ્રધાન મોદી અને પ્રવિણ તોગડીયાના સંબંધો સૌથી વધુ ચર્ચામાં રહ્યા છે. હાલ ભલે  તમને એવું લાગતું  હોય કે  તોગડીયા અને  મોદીના સંબંધોમાં  ખટાશ છે તો એક સમય એવો પણ  હતો જયારે બંને પાક્કા મિત્રો  હતા. સૂત્રોના જણાવ્યા મુજબ બહુ  સમય પહેલાની વાત નથી જયારે  વડાપ્રધાન  મોદી અને તોગડીયા એક જ સ્કૂટર  પર સાથે  બેસીને સંઘના કાર્યકર્તાઓને  મળવા  અને મિટિંગ  કરવા જતા હતા. 

જોકે ૨૦૦૨માં મોદી ગુજરાતના  મુખ્યમંત્રી બન્યા અને  તેમના સંબંધો ધીમે ધીમે વણસવા લાગ્યા હતા. વિશ્વ હિંદૂ પરિષદના  કેટલાક નેતાઓનું માનવું છે કે રાજકીય ફાયદા માટે  તોગડીયાને  ઠેકાણે પાડવા માટે પાછલા એક મહિનાથી કાવતરાના ચક્રો  ગતિમાન થયા છે.  સૂત્રો આરોપ  મુકતા જણાવે છે કે, 'સંઘ અને ભાજપ બંને વિશ્વ  હિંદૂ પરિષદમાંથી  તોગડિયાને  યેનકેન પ્રકારે દૂર કરવા માગે છે. જેથી તેઓ  સંઘની આગેવાનીમાં નવો પ્રોગ્રામ લોંચ કરી શકે.  પરંતુ તોગડિયાના સતત વિરોધના કારણે તેમની સામેના જૂના કેસને ફરી એકિટવ કરવામાં આવી રહ્યા છે. ગુજરાતના એક વરિષ્ઠ VHP નેતાએ નામ ન જણાવવાની શરતે કહ્યું કે, 'તાજેતરમાં ભુવનેશ્વર  ખાતે VHPની કાર્યકારીણી બેઠક મળી હતી જેમાં તોગડિયાનો VHPના આંતરરાષ્ટ્રિય વર્કિંગ પ્રેસિડેન્ટ તરીકેનો અને રાષ્ટ્રિય પ્રમુખ રાઘવ રેડ્ડીનો પણ કાર્યકાળ પૂર્ણ થતો હોય ચર્ચા કરવામાં આવી હતી. સંઘે આ બેઠકમાં રેડ્ડીના સ્થાને વી. કોકજેને બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તોગડિયાએ તેનો સખત વિરોધ કર્યો હતો. જેના કારણે રેડ્ડીને વધુ એક ટર્મ માટે પ્રમુખ તરીકે ચાલુ રાખવામાં આવ્યા હતા. આ બેઠક બાદ તોગડિયાએ VHPના કાર્યકર્તાઓની એક મોટી સભા પણ સંબોધી હતી જેમાં તેમણે આરોપ લગાવ્યા હતા કે કેટલાક ટોચના નેતાઓ તેમને ઉથલાવવા માગે છે. આ બાદ તેમણે રામ મંદિર અને ગૌ રક્ષા મામલે કેન્દ્ર સરકાર પર પણ પ્રહાર કર્યા હતા. જયારે ગૌ સેવા માટે કોંગ્રેસના વખાણ કર્યા હતા.  તેમણે કહ્યું કે, 'જે રીતે તોગડિયા વિરુદ્ઘ ચક્રો ગતિમાન થયા છે તે જોતા લાગે છે કે ભાજપ હવે કોઈપણ કિંમતે તેમને છોડવા માગતું નથી અને યેનકેન પ્રકારને તોગડિયાને દૂર કરવા મથી રહ્યું છે.' કહેવાય છે કે ૨૦૦૨માં મોદી મુખ્યમંત્રી બન્યા બાદ તેમણે તોગડિયાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તેઓ રાજય સરકારના કોઇપણ કામમાં દખલ નહીં આપે. જે બાદ બંને વચ્ચેના સંબંધો સતત વણસતા રહ્યા હતા. મોદીના આ વર્તનથી તોગડિયાને દગો મળ્યો હોય તેવું લાગ્યું હતું. જયારે ૨૦૦૨માં મોદીને સત્તા પર આવવા માટે તોગડિયાએ જ મદદ કરી હતી પરંતુ હવે તેમને સાઇડલાઇન કરવામાં આવી રહ્યા હતા. ત્યારબાદ સંબંધો વધુ ત્યારે વણસ્યા જયારે મોદી સરકારે ગાંધીનગરમાં ૨૦૦ જેટલા ગેરકાયદે અતિક્રમણથી બની બેઠેલા હિંદૂ મંદિરોને તોડી પાડવામાં આવ્યા અને એલ.કે. અડવાણી દ્વારા પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મોહમ્મદ અલી ઝીન્ના વિશે આપવામાં આવેલ નિવેદનનો વિરોધ કરતા VHP કાર્યકર્તાઓને મારવામાં આવ્યા. આ સાથે જ તોગડિયાએ ૨૦૧૧માં મોદાના સદભાવના મિશનનો પણ ઉપહાસ કર્યો હતો અને તેમના પર હિંદૂત્વના એજન્ડાને પડતો મૂકવાનો આરોપ લગાવી તીવ્ર વિરોદ દર્શાવ્યો હતો.