મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 5 ડિસેમ્બર 2019 (13:02 IST)

વિદ્યાર્થી આંદોલન સામે સરકાર નતમસ્તક, પરીક્ષા રદ કરાઇ, SIT દ્વારા કરવામાં આવશે

ગાંધીનગર ખાતે બુધવારથી ચાલુ કરવામાં આવેલા વિદ્યાર્થી આંદોલનને મોટી જીત પ્રાપ્ત થઇ છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી બિનસચિવાલય પરીક્ષા રદ કરવાનું વિદ્યાર્થીઓનું આંદોલન વધુને વધુ મજબૂત બનતાં વિદ્યાર્થીઓની મહેતન આખરે રંગ લાવી છે. વિદ્યાર્થીઓના વિરોધ સામે અંતે સરકાર ઝૂંકવું પડ્યું છે. રૂપાણી સરકારે પરીક્ષાર્થી નેતાઓના પ્રતિનિધિ મંડળને મંત્રણા માટે આમંત્રણ આપ્યું હતું. જેના બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જિલ્લા કલેક્ટરને મળ્યા હતા. ત્યારે હવે બિનસચિવાલય પરીક્ષા મામલે એસઆઈટી (SIT) ની રચના કરવામાં આવશે તેવો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. 
 
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં લાખો ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.પરંતુ અનેક પરીક્ષા કેન્દ્રોમાં ચોરી થયાનું સામે આવ્યું છે ત્યારે ગાંધીનગર આવી પહોંચેલા વિદ્યાર્થીઓની બિનસચિવાલય પરીક્ષા રદ કરવાની માંગ અડગ છે. રાજ્યભરમાંથી આવેલા વિદ્યાર્થીઓએ ગાંધીનગરમાં રસ્તા પર આખી રાત વિતાવી હતી. તેમ છતાં પણ યુવક અને યુવતીઓની એક જ માંગ કરી રહ્યાં છે કે, પરીક્ષા રદ કરો… ભૂખ્યા-તરસ્યા રહીને પણ તેઓ પોતાની માંગ પર અડગ છે. વહેલી સવારે પણ વિદ્યાર્થીઓ ગાંધીનગરના રસ્તાઓ પર સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. સવારે એક સંસ્થા અને સ્થાનિક લોકો દ્વારા વિદ્યાર્થીઓને નાસ્તો આપવામાં આવ્યો હતો, ત્યારે ભૂખ્યા વિદ્યાર્થીઓએ કડકડતી ઠંડીમાં નાસ્તો કર્યો હતો. 
 
બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મામલે પરીક્ષાર્થીઓએ કલેક્ટર સાથે વાતચીત કરી હતી. યુવરાજ સિંહ જાડેજાએ બેઠક બાદ કહ્યું કે ગેરરીતિ મામલે SITની રચના થશે. કલેક્ટર મુખ્યમંત્રી સાથે બેઠક યોજી SITની રચનાની જાહેરાત થઇ શકે છે.
 
કલેક્ટર મુખ્યમંત્રીને મળીને SITની રચના કરશે. યુવરાજ સિંહ જાડેજાએ કહ્યું કે, SITની કાર્યવાહી નિષ્પક્ષ હશે, તો જ આંદોલન સમેટાશે. SITની જાહેરાત નહીં થાય, ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે, અમારી પાસે નક્કર પુરાવા છે, પરીક્ષા રદ નહી થાય ત્યા સુધી અમારૂ આંદોલન યથાવત રહેશે. પ્રતિનિધિઓની માંગણી સ્વીકારવામાં આવી હતી.SITમાં કોઇ નેતા ના હોવો જોઇએ, અસીત વ્હોરા પણ ના હોવા જોઇએ.SITમાં પુરાવા આપીશું તો પરીક્ષા રદ થઇ જ જશે.
 
ગાંધીનગર કલેક્ટરે જણાવ્યુ કે વિદ્યાર્થીઓની માંગણી અમે સરકાર સુધી પહોચાડીશું. મુખ્યમંત્રી સાથે બેઠક કરીને કલેક્ટર પ્રતિનિધિઓની માગની માહિતી આપશે.
 
ત્યારે આજે વહેલી સવારે શંકરસિંહ વાઘેલા પણ ઉમેદવારને મળવા આવી પહોંચ્યા હતા. અને કહ્યું કે ,તમારી વાતને સરકારે સાંભળવી જોઈએ. હું તમારી સાથે છું. તમારી રજુઆત હોય તો કહો. હું રાજ્યપાલ અને મુખ્યમંત્રીને તમારી વાત કરીશ કે પરીક્ષા કેન્સલ કરવામાં આવે. ઉમેદવારોના આગેવાનોને સાંભળવા જોઈએ. તમે કોના રાજમાં જીવી રહ્યા છો એ સમજો. આખર સુધી લડવાની તાકાત હોય તો જ આ સરકાર સામે પડજો. હું આંદોલનકારીઓની સાથે છું અને તેમની લડતમાં ભાગીદાર છું.