સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 12 મે 2018 (13:32 IST)

રાજકોટમાં મેળામાં બેબી ટ્રેન નીચે આવતા ત્રણ વર્ષના બાળકનું મોત

ઉનાળાની રજાઓ ચાલુ થઈ ગઇ અને સાથે સાથે ઠેરઠેર આનંદમેળા પણ શરૂ થઇ ગયા છે. નાના બાળકોને લઇને માતા-પિતા હોંશે હોંશે મે‌ળામાં જાય છે. પરંતુ તેઓ પોતાના બાળકનું પુરતું ધ્યાન રાખી શકતા નથી જેના કરાણે માતા-પિતાને પસ્તાવાનો વારો આવે છે. આવો જ એક કિસ્સો રાજકોટમાં બન્યો છે. રાજકોટના શાસ્ત્રી મેદાનમાં આનંદ મેળામાં ત્રણ વર્ષનું બાળક ટ્રેન નીચે આવી જતાં તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. અને આ ઘટના બાદ પરિવારજનોએ મેળાના સંચાલકની બેદરકારી પર આક્ષેપ લગાવ્યો હતો.

સુત્રોના જણાવ્યાનુસાર રાજકોટ શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં શ્રમજીવી સોસાયટીમાં બે પુત્રી અને પુત્ર જય સહિત વિજયભાઇ પરિવાર સાથે રહે છે. તેઓ પરિવાર સાથે શાસ્ત્રી મેદાનમાં આવેલા રોયલ મેળામાં આનંદ માણવા માટે ગયા હતા. વિજયભાઇનો ત્રણ વર્ષનો જય જમ્પિંગમાં ઠેકડા લગાવતો હતો. બીજી તરફ વિજયભાઇની બંને દિકરીઓ પણ અન્ય રાઇડની મોજ માણતી હતી. જમ્પિગ કરીને જય વિંગમાંથી નીચે ઉતરી બાજુમાં આવેલી બેબી ટ્રેન બાજુ ગયો હતો. ત્યારે બેબી ટ્રેનમાં અન્ય બાળકો મોજ માણી રહ્યા હતા. મહત્વની વાત એ છે કે ટ્રેનની ફરતે આવેલી રેલિંગ ખુલ્લી હતી. જેથી જય ટ્રેનના ટ્રેક સુધી આગળ વધી ગયો હતો. અને ટ્રેનની અડફેટે આવી જતા ટ્રેન નીચે ચકદાઇ ગયો હતો.

સુત્રોના જણાવ્યા પ્રમાણે બેબી ટ્રેન ચાલું હોય ત્યારે ટ્રેનના ફરતે સુરક્ષા માટે રેલિંગ રાખવામાં આવે છે. જોકે, આ ઘટનામાં જ્યારે ટ્રેન ચાલુ હતી ત્યારે રેલિંગ ખુલ્લી હતી. અને રમતા રમતા બાળક રેલિંગની અંદર પ્રવેશ્યું હતું. આમ બેબી ટ્રેન બાળક ઉપર ફરી વળી હતી. જેના પગલે હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ બાળકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

પોતાના વ્હાલસોયા ત્રણ વર્ષના બાળકના દુર્ઘટનામાં થયેલા મોતના પગલે માતા-પિતામાં ભારે દુઃખની લાગણી સાથે મેળા સંચાલકો સામે રોષ ફેલાયો હતો. મેળા સંચાલકોની બેદરકારીના કારણે બાળકનું મોત થયું હોવાના આરોપ માતા-પિતા લગાવી રહ્યા છે. પરંતુ જો માતા-પિતાએ પણ બાળક સામે પુરતું ધ્યાન આપ્યું હોય તો બાળકનો જીવ બચી ગયો હોત. માસૂમ બાળકાના મોતની સમગ્ર ઘટના નજીક લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. આ ઘટના અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ છે. એ ડિવિઝનની પોલીસ ટીમ સીસીટીવીના આધારે તપાસ કરશે. આ ઘટનામાં મેળા સંચાલકોની ક્યાં બેદરકારી હતી એ સહિતના અનેક મુદ્દાઓની તપાસ સીસીટીવીના આધારે કરવામાં આવશે