રાજ્યમાં જૂનના અંતિમ સપ્તાહ કે જુલાઇના પ્રથમ સપ્તાહથી 18થી 45 વર્ષના લોકોને રસી અપાશે
ગુજરાત સરકારે મગાવેલા રસીના ડોઝ જૂન મહિનાના પહેલા પખવાડિયા બાદ નિયમિત રીતે મોટા પ્રમાણમાં મળવાની શરુઆત થઇ શકે છે, આથી રાજ્યમાં 18થી 45 વર્ષના વયજૂથના લોકોમાં રસીકરણ જૂનના અંતિમ સપ્તાહ કે જુલાઇના પ્રથમ સપ્તાહથી શરુ થઇ શકે છે. હાલ રાજ્યમાં માત્ર 10 શહેરો અને જિલ્લાઓમાં જ 18થી 45 વર્ષના લોકો માટે રસીકરણ ચાલી રહ્યું છે.
રાજ્ય સરકારનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, જૂનના બીજા સપ્તાહ બાદ ગુજરાતને નિયમિત રીતે રસીનો જથ્થો વધુ પ્રમાણમાં મળતો થશે, પછી રસીની ખેંચ ઘણી ઓછી થશે. હાલ આ ઉંમરના લોકો માટે એક સપ્તાહમાં સાતથી દસ લાખ જેટલા ડોઝની સરેરાશથી જથ્થો પ્રાપ્ત થઇ રહ્યો છે, જે આવનારા સમયમાં બમણાથી વધુ થશે, તેથી રાજ્યના બાકીના તમામ વિસ્તારોમાં રસીકરણ જૂનના અંતિમ સપ્તાહ સુધીમાં કે જુલાઇના પ્રથમ સપ્તાહથી શરૂ થઇ શકે છે. આ ઉપરાંત ગુજરાતમાં કોવેક્સિન અને કોવિશીલ્ડ ઉપરાંત બીજી રસીઓ મળવાની શરુઆત પણ એ દરમિયાન થઇ શકે છે, જેથી રસીકરણ વધુ તેજ બનાવી શકાશે. હાલ ગુજરાત સરકાર દૈનિક 1 લાખ લોકોને રસી આપવાના ટાર્ગેટ સાથે ચાલી રહી છે અને જો વધુ ડ઼ોઝ મળતા થાય તો તે સરેરાશ 3થી 4 લાખ સુધી લઇ જઇ શકાય.
હાલના તબક્કે ગુજરાત સરકારે ચાર ખાનગી હોસ્પિટલો દ્વારા પેઇડ રસીકરણની મંજૂરી આપી છે. હજુ સરકાર આ માટે વધુ હોસ્પિટલોને નિયુક્ત કરવા વિચારી રહી છે, જેથી કરીને સરકારી રસીકરણ પરનું ભારણ ઓછું થશે અને વધુ ઝડપથી વધુ લોકો રસી લઇ શકશે. ગ્રામીણ વિસ્તારોમાં પેઇડ રસીકરણ કરવું મુશ્કેલ હોવાથી ત્યાં સરકારી ધોરણે વિનામૂલ્યે રસીકરણ જ થશે, જ્યારે શહેરોમાં પણ નિઃશુલ્ક રસીકરણ યથાવત્ જ રહેશે.જુલાઇ મહિનાથી રાજ્યના તમામ વિસ્તારોમાં 18થી 45 વર્ષના લોકો માટે રસીકરણ શરુ થાય તો ત્રણ મહિનામાં એટલે કે સપ્ટેમ્બર માસ સુધીમાં 50 ટકા લોકોને રસીકરણ હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક છે. ત્રીજી સંભવિત લહેર આગામી ઓક્ટોબર મહિના દરમિયાન આવી શકે છે એવી ચેતવણી જોતાં સપ્ટેમ્બર માસ સુધીમાં આટલું રસીકરણ થઇ જાય તો એની વિપરીત અસરો ઓછી પડી શકે છે. જોકે ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં એટલે કે ચાલુ વર્ષના અંતે ગુજરાતમાં રસીકરણ સંપૂર્ણ થઇ ગયું હશે એવું પણ લક્ષ્ય રાખવામાં આવ્યું છે.