એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા ગૃહમંત્રી અમિત શાહને ઉદ્યોગપતિ રાહુલ બજાજે કેટલાક આકરા સવાલો કર્યા છે. બજાજ ગ્રૂપના ચૅરમૅને મૉબ લિન્ચિંગ અને સાંસદ સાધ્વી પ્રજ્ઞાના નાથુરામ ગોડસેને લઈને અપાયેલા નિવેદનમાં યોગ્ય કાર્યવાહી ન કરવાનો ઉલ્લેખ તો કર્યો જ સાથે એવું પણ કહ્યું કે લોકો 'તમારાથી' ડરે છે.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર રાહુલ બજાજે કહ્યું, "અમારા ઉદ્યોગપતિ મિત્રોમાંથી કોઈ નથી બોલતું. હું જાહેરમાં આ વાત કરું છું. એક માહોલ સર્જવો પડશે. જ્યારે યુપીએ-2ની સરકાર સત્તામાં હતી, ત્યારે અમે કોઈની પણ ટીકા કરી શકતા હતા."
"તમે સારું કામ કરી રહ્યા છો, તેમ છતાં, અમે જાહેરમાં તમારી ટીકા કરીએ, લાગતું નથી કે તમે એને પસંદ કરશો."
આ સાથે જ બજાજે આર્થિક સ્થિતિને લઈને પણ પોતાની અને પોતાના સાથી ઉદ્યોગપતીઓની ચિંતાનો ઉલ્લેખ કર્યો.
અમિત શાહે શું કહ્યું?
બજાજ જ્યારે આ વાત કરી રહ્યા હતા ત્યારે મંચ પર ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત નાણામંત્રી નિર્મલા સીતારમણ, રેલ અને વાણિજયમંત્રી પીયૂષ ગોયલ ઉપરાંત રિલાયન્સના સીએમડી મુકેશ અંબાણી, આદિત્ય બિરલા ગ્રૂપના ચૅરમૅન મંગલમ બિરલા અને ભારતી ઍન્ટરપ્રાઇઝના ચૅરમૅન સુનિલ ભારતી મિત્તલ પણ હાજર હતાં.
પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘે એક દિવસ પહેલાં 'નેશનલ ઇકૉનૉમી કૉન્ક્લેવ'માં 'ભયનું એક સ્પષ્ટ વાતાવરણ' હોવાની વાત કરી એના એક દિવસ બાદ બજાજનું સંબંધિત નિવેદન આવ્યું છે.
સિંઘે કહ્યું હતું, "કેટલાય ઉદ્યોગપતિઓએ મને કહ્યું છે કે સરકારી તંત્ર દ્વારા તેમને હેરાન કરવામાં આવશે એવો તેમને ભય રહે છે. ઉદ્યોગસાહસિકો નવી યોજનાઓ લાગુ કરતા અચકાઈ રહ્યા છે. આ માહોલમાં તેમની અંદર અસફળતાનો ડર રહે છે."
બજાજની આ ટિપ્પણીનો જવાબ આપતાં અમિત શાહે કહ્યું કે કોઈએ કોઈનાથી ડરવાની જરૂર નથી.
તેમણે કહ્યું, "તમે કહ્યું એમ જો ભયનો માહોલ બન્યો હોય તો અમારે તે માહોલને બહેતર બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. હું એટલું સ્પષ્ટ રીતે કહેવા માગીશ કે કોઈને પણ ડરવાની જરૂર નથી અને કોઈ ડરાવવા પણ માગતું નથી."
બજાજે ઉચ્ચારેલા આ સૂરના દેશભરમાં પડઘા પડ્યા છે અને સોશિયલ મીડિયા પર રાહુલ બજાજ ટ્રૅન્ડ થઈ રહ્યા છે.
પત્રકાર સાગરિકા ઘોસે ટ્વિટર પર લખ્યું, "એક 'રૅર' ભારતીય ઉદ્યોગપતિએ હિંમતભેર અવાજ ઉઠાવ્યો છે. હિંમતવાન બજાજે અમિત શાહને કહ્યું કે તમે ભયનો માહોલ સર્જ્યો છે અને લોકો સરકાર વિરુદ્ધ બોલવાથી ડરી રહ્યા છે."
કૉંગ્રેસના પ્રવક્તા સંજય જ્હાએ ટ્વીટ કર્યું, "એક રાહુલ બજાજ છે અને બાકીના એક નિષ્ફળ સરકાર સાથે સૅલ્ફી લઈ રહ્યા છે, પ્રશંસાગીતો ગાઈ રહ્યા છે."
સુમંથ રમણે ટ્વીટ કર્યું, "હવે બજાજનાં ઉત્પાદનોના બહિષ્કાર કરવાની અને શૅર વેચવાની હાકલ પડે એની રાહ જુઓ.