સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Updated : સોમવાર, 26 સપ્ટેમ્બર 2022 (14:54 IST)

નેશનલ ગેમ્સમાં ટ્રેપ શૂટિંગમાં ગુજરાત માટે યશાયા તાકશે ગોલ્ડ પર નિશાન

ગુજરાત ખાતે સૌ પ્રથમવાર ૨૯ સપ્ટેમ્બર થી ૧૨ ઓક્ટોમ્બર દરમિયાન યોજાનાર ૩૬મી નેશનલ ગેમ્સમાં આશરે ૭૦૦૦ થી વધુ ખેલાડીઓ ભાગ લેવાના છે. અમદાવાદમાં રાઈફ્લ ક્લબ અને ક્રાઉન એકેડેમી ખાતે શૂટિંગ સ્પર્ધાઓ યોજાવાની છે. જેમાં ટ્રેપ શૂટિંગની ઇવેન્ટસ્‌ માં પુરુષ અને મહિલા વિભાગમાં દેશમાંથી કુલ ૧૬-૧૬ ખેલાડીઓ ક્રાઉન એકેડેમી ખાતે ભાગ લેવાના છે.
 
ગુજરાતમાંથી આ વખતે ૧૬ વર્ષીય યશાયા હાફિઝ કોન્ટ્રાક્ટર પણ ટ્રેપ શૂટિંગમાં ભાગ લેશે. ૨૧મી માર્ચ ૨૦૦૬ના રોજ જન્મેલ યશાયા હાફિઝ કોન્ટ્રાક્ટરે સાવલી તાલુકા રાઈફલ એસોસિએશન, વડોદરા ખાતેથી ટ્રેપ શૂટીંગ રેન્જમાં તેમની શૂટિંગ યાત્રા શરૂ કરી હતી. પોતાની પ્રથમ સ્પર્ધાત્મક ઇવેન્ટ એવી ૩૮મી ગુજરાત સ્ટેટ ટ્રેપ શૂટિંગ સ્પર્ધા ૨૦૧૯ માં યશાયાએ ટ્રેપ અને ડબલ ટ્રેપ જુનિયર, સિનિયર અને ટીમ ઇવેન્ટ્‌સમાં ૧ ગોલ્ડ, ૨ સિલ્વર અને ૩ બ્રોન્ઝ સહિત કુલ ૬ મેડલ મેળવ્યા હતા.
 
ત્યારબાદ ૨૦૧૯માં જ યશાયાએ વડોદરા ખાતે યોજાયેલી ૭મી વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપમાં શોટગન ઇવેન્ટ માં પણ ગોલ્ડ મેળવ્યો હતો. ટ્રેપ શૂટિંગને પોતાનું જીવન ધ્યેય બનાવનાર યશાયા સતત ત્રણ વર્ષમાં, તેની ૩૯મી, ૪૦મી અને ૪૧મી ગુજરાત સ્ટેટ શોટગન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતવામાં સફળ રહી હતી. દ્રઢ નિશ્ચય, જુસ્સો અને રમત પ્રત્યેના પ્રેમના લીધે જ યશાયાએ ૬૩મી અને ૬૪મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશીપમાં શોટગન ઈવેન્ટ્‌સમાં Double Renowned Shot Certification હાંસલ કર્યું.
 
૨૦૨૧માં પેરુના લિમા ખાતે યોજાયેલ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં યશાયાએ જુનિયર મહિલા ડબલ ટ્રેપ ગ્રાન્ડ પ્રિકસમાં સિલ્વર મેડલ મેળવ્યો. આ સિદ્ધિને બિરદાવતા દાહોદના કલેક્ટરે ૧૫મી ઓગસ્ટ ૨૦૨૨ના રોજ ૭૫મા સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ પર્વ અંતર્ગત યશાયાને ‘સન્માનપત્ર’ એનાયત કરીને બહુમાન કર્યું હતું. નેશનલ ગેમ્સમાં તારીખ ૩, ૪ અને ૫ ઓક્ટોબર દરમિયાન યશાયા પોતાની ટ્રેપ શૂટિંગ ઇવેન્ટસ્‌ માં ભાગ લેશે.