રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By જયનારાયણ વ્યાસ|
Last Modified: શુક્રવાર, 29 નવેમ્બર 2019 (17:48 IST)

ભારતને અમેરિકાના ક્રૂડઑઈલથી શો લાભ થશે?

ભારત પોતાની જરૂરિયાતનું 80 ટકા જેટલું ક્રૂડઑઈલ આયાત કરે છે. આનું મુખ્ય કારણ ભારતનું પોતાનું ઘરઆંગણાનું ઉત્પાદન ખૂબ ઓછું છે.
 
એપ્રિલથી ઑગસ્ટ 2019 દરમિયાન ભારતે ક્રૂડઑઇલની જે આયાત કરી તેમાં ટોચના ચાર સપ્લાયર, ઇરાક (19 મિલિયન ટન), સાઉદી અરેબિયા (15.67 મિલિયન ટન), ઈરાન (13.32 મિલિયન ટન) અને યુ.એ.ઈ (યુનાઇટેડ આરબ અમિરાત -5.88 મિલિયન ટન) રહ્યાં હતાં.
 
ભારતને ક્રૂડઑઇલ પૂરું પાડનારા 14 દેશોનાં સંગઠનને 'ઑર્ગેનાઇઝેશન ઑફ ધી પેટ્રોલિયમ ઍક્સ્પર્ટિંગ કન્ટ્રીઝ' - OPEC (ઑપેક) તરીકે ઓળખવામાં આવે છે.
ભારતના ક્રૂડઑઇલના પુરવઠાનું 80 ટકા ક્રૂડઑઈલ OPEC દેશો પૂરું પડતા હતા. તાજેતરમાં OPEC દેશો પાસેથી જે ક્રૂડઑઈલ આયાત કરાય છે તેની ટકાવારી ઑક્ટોબર 2019ના અંતે ઘટીને 73 ટકા જેટલી થઈ જવા પામી છે.
 
ભારત માટે ક્રૂડઑઈલનો પુરવઠો મહત્તમ સ્પર્ધાત્મક ભાવે જળવાઈ રહે તે ખૂબ જ અગત્યની બાબત છે. તેની આયાતને કારણે ભારતની ચાલુ ખાતાકીય ખાધ વધે છે.
 
 
આમ ક્રૂડઑઇલના ભાવમાં વધારો થાય તે પણ ભારતને પોષાય તેવું નથી. એક અંદાજ અનુસાર ક્રૂડઑઇલના ભાવમાં જો બેરલ દીઠ 10 ડૉલર જેટલો ભાવ વધારો થાય તો એની સીધી અસર ભારતના જીડીપીમાં 0.1 ટકાના ઘટાડા રૂપે જોવા મળે છે.
 
આમ ભારત માટે પોતાને જરૂરી ક્રૂડઑઈલનો પુરવઠો જળવાઈ રહે તે જેટલું અગત્યનું છે તેટલા જ અગત્ય ક્રૂડઑઇલના ભાવો પણ છે. આ સંદર્ભમાં પરિસ્થિતિની ચર્ચા કરતાં પહેલાં વૈશ્વિક ઉત્પાદન પર કોનો કેટલો કાબૂ છે તે જોઈ લઈએ.
 
વિશ્વના મુખ્ય ઉત્પાદક દેશોમાં અમેરિકા, રશિયા, સાઉદી અરેબિયા, ઇરાક અને ઈરાન સૌથી મોટાં ઉત્પાદકો છે. યુ. એસ. ઍનર્જી ઇન્ફર્મેશન ઍડમિનિસ્ટ્રેશન પાસેથી ઉપલબ્ધ વિગતો અનુસાર આ પાંચ દેશોનું ક્રૂડનું ઉત્પાદન નીચે મુજબ છે.
 
ક્રૂડ ઉત્પાદન - પ્રતિદિન બિલિયન બેરલ
અનુક્રમ દેશ ક્રૂડ ઉત્પાદન
1 અમેરિકા 11300000
2 રશિયા 11200000
3 સાઉદી અરેબિયા 10460710
4 ઈરાક (ઓપેક) 4451516
5 ઈરાન (ઓપેક) 3990956
 
ઈરાન-વેનેઝુએલા પરના પ્રતિબંધથી શી અસર થઈ?
 
ક્રૂડઑઇલની આયાતના મોરચે ભારતને નાનાં-મોટાં વિઘ્નો નડતાં રહે છે.
 
આ પહેલાં અમેરિકા દ્વારા ઈરાન અને વેનેઝુએલા પાસેથી ઑઈલ ખરીદવા ઉપર પ્રતિબંધો આવ્યા.
 
જોકે, અમેરિકાએ એમાં ઘણી છૂટ આપી એટલે એ પ્રતિબંધની તાત્કાલિક ઝાઝી અસર ભારતને થઈ નથી.
 
ત્યાર બાદ સાઉદી અરેબિયાની આરામકો પર 14 સપ્ટેમ્બરે ડ્રોન હુમલો થયો તેની અસર રૂપે કંઈક અંશે ભારત સાઉદી અરેબિયા પાસેથી જે ક્રૂડઑઇલ ખરીદતો હતો તેનો પુરવઠો ખોરવાય તેવી સ્થિતિનું નિર્માણ થયું.
 
દરમિયાનમાં એક સારી બાબત એ હતી કે ભારત માત્ર ઑપેક અને રશિયાની ઉપર નિર્ભર રહેતું હતું એને બદલે અમેરિકા ક્રૂડના એક સપ્લાયર તરીકે ઊપસ્યું.
 
ભારત દ્વારા નાણાકીય વર્ષ 2018-19માં આયાત કરાયેલા ક્રૂડઑઇલના આંકડા નીચે મુજબ હતા.
 
આયાત થયેલ ક્રૂડઑઇલના આંકડા (વર્ષ 2018-19)
 
અનુક્રમ દેશ                       આયાત (મિલિયન ટન)
1 ઇરાક              46.16
2 સાઉદી અરેબિયા              40.03
3 ઈરાન              23.90
4 સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)      17.40
5 વેનેઝુએલા              17.30
6 નાઇજીરિયા              18.80
7 કુવૈત              10.07
8 મેક્સિકો              10.02
9 યુએસ                6.4
 
ઉપરોક્ત વિગતો જોઈએ તો 2018-19ના વર્ષમાં અમેરિકાએ ભારતમાં ક્રૂડઑઇલ પૂરું પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
 
અમેરિકા પાસેથી ક્રૂડની ખરીદીમાં ખાસ્સો ચાર ગણો વધારો થયો છે. અમેરિકાએ ભારતને વર્ષ 2017માં ક્રૂડઑઈલ વેચવાનું શરૂ કર્યું હતું.
 
નાણાકીય વર્ષ 2017-2018માં ભારતે અમેરિકા પાસેથી 1.4 મિલિયન ટન ક્રૂડઑઇલ આયાત કર્યુ હતું, જે વર્ષ 2018-19માં અગાઉ જણાવ્યું તેમ વધીને 6.4 મિલિયન ટન થયું હતું.
 
આમ આવનારાં વર્ષોમાં પણ અમેરિકા ભારત માટે વિશ્વ બજારમાં ક્રૂડઑઈલ ખરીદવા માટેના વિકલ્પોમાં એક મહત્વના વિકલ્પ તરીકે ઉમેરાયું છે.
 
ઇરાકે સાઉદી અરેબિયાને પાછળ છોડ્યું
 
ડિરેક્ટર જનરલ ઑફ કૉમર્શિયલ ઇન્ફર્મેશન ઍન્ડ સ્ટેટિસ્ટિક્સ પાસેથી ઉપલબ્ધ માહિતી મુજબ, ભારતે 2017-18ના નાણાકીય વર્ષ દરમિયાન 22 કરોડના ક્રૂડની આયાત કરી હતી.જેની સામે 2018-19માં 20.7 મિલિયન ટન કાચા તેલની આયાત થતાં 1.3 કરોડ ટન જેટલું ઓછું ક્રૂડઑઈલ 2018-19ના નાણાકીય વર્ષમાં ભારતે આયાત કર્યું છે.
 
બીજી મહત્વની બાબત એ છે કે ઇરાકે સતત બીજા વર્ષે પણ સાઉદી અરેબિયાને પાછળ રાખી ભારતની તેલની જરૂરિયાત પૂરી પાડનાર સૌથી મોટા દેશ તરીકેનું સ્થાન જાળવી રાખ્યું છે.
 
ડિરેક્ટર જનરલ ઑફ કૉમર્શિયલ ઇન્ફર્મેશન ઍન્ડ સ્ટેટિસ્ટિક્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ માહિતી મુજબ, ગત નાણાકીય વર્ષમાં ઇરાકે ભારતની ક્રૂડઑઇલની જરૂરિયાતનો પાંચમો ભાગ એટલે કે 20 ટકા હિસ્સો પૂરો પાડ્યો છે.
 
2017-18ના નાણાકીય વર્ષમાં ઇરાકે 45.7 મિલિયન ટન ક્રૂડઑઇલ પૂરું પાડી પહેલી વખત સાઉદી અરેબિયાને પાછળ મૂકી ભારતને ક્રૂડઑઇલની નિકાસ કરતા દેશોમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
 
2018-19માં 46.6 મિલિયન ટનના સપ્લાય સાથે તે સ્થાન જાળવી રાખ્યું છે.
 
નાઇજીરિયાની એન્ટ્રી
 
આમ ભારતને ક્રૂડઑઈલ પૂરું પાડનાર દેશોમાં અમેરિકા નવું ઉમેરાયું અને ઇરાક સાઉદી અરેબિયાને પછાડીને આગળ આવ્યું તે સ્થિતિનું નિર્માણ થયું.
 
તેમ છતાં પણ સાઉદી અરેબિયા અગાઉના વર્ષે 15.66 મિલિયન ટનમાંથી 2018-19માં 17.74 મિલિયન ટન સાથે બીજા ક્રમે રહ્યું છે.
 
અગત્યની બાબત એ છે કે ભારતે મે-2019માં અમેરિકા દ્વારા ઈરાન પર ફરીથી લદાયેલા પ્રતિબંધોને કારણે ઈરાન પાસેથી ક્રૂડની આયાત લગભગ બંધ કરી દીધી છે, જે 2017-18માં 13.3 મિલિયન ટન હતી તેમાંથી ઘટીને 2018-19માં માત્ર 2.0 મિલિયન જેટલી થઈ ગઈ છે.
 
ઈરાનની જગ્યા ખાલી પડી ત્યાં નાઇજીરિયા ધસી આવ્યું છે.ચાલુ વર્ષના એપ્રિલ-ઑગસ્ટ 2019ના ગાળામાં આ આફ્રિકન દેશે 7.17 મિલિયન ટન ક્રૂડ ઑઇલ સપ્લાય કર્યું, જે અગાઉના વર્ષના આ જ સમયગાળા દરમિયાન 5.81 મિલિયન ટન હતું.
 
નાઇજીરિયા બાદ યુ.એ.ઈ. એપ્રિલ થી ઑગસ્ટ 2019 દરમિયાન 6.4 મિલિયન ટન અને વેનેઝુએલાએ 6.17 મિલિયન ટન ક્રૂડ ભારતને પૂરું પાડ્યું છે.
 
 
અમેરિકાએ હજુ 2017માં જ શરૂઆત કરી છે. એપ્રિલથી ઑગષ્ટ 2019ના સમયગાળા દરમિયાન કુવૈતના 4.2 મિલિયન ટન અને મેક્સિકોના 3.3 મિલિયન ટનના સપ્લાયની સરખામણીમાં અમેરિકા આગળ રહ્યું છે.આમ 2017-18માં માત્ર 1.4 મિલિયન ટન ત્યાર બાદ 2018-19માં ચાર ગણું વધીને 6.4 મિલિયન અને હવે એપ્રિલથી ઑગસ્ટ 2019ના સમયગાળામાં 4.5 મિલિયન ટન ક્રૂડઑઇલની આયાત થઈ છે.
 
આમ સતત વધતા જતાં પુરવઠા સાથે અમેરિકા ભારત માટે ક્રૂડઑઈલનું એક મોટું સપ્લાયર બનવા તરફ મક્કમ ડગલે આગળ વધી રહ્યું છે.
 
એપ્રિલથી ઑગસ્ટ 2019ના સમયગાળા દરમિયાન ભારતમાં ક્રૂડઑઇલની આયાત અગાઉના આજ સમયગાળા કરતાં ઘટી છે.
 
એપ્રિલથી ઑગસ્ટ 2018માં આયાત 93.91 મિલિયન ટન રહી હતી જે એ જ ગાળા દરમિયાન 2019માં ઘટીને 91.24 મિલિયન ટન રહેવા પામી છે.
 
આ પરિસ્થિતિમાં બીજો પણ એક ફેરફાર આવ્યો છે. વર્ષ 2010-11માં સાઉદી અરેબિયા પછી ઈરાન ભારતનું બીજા નંબરનું સપ્લાયર હતું, પણ એના શંકાશીલ અણુ કાર્યક્રમને લઈને અમેરિકા દ્વારા જે પ્રતિબંધ લાદવામાં આવ્યા, એણે ઈરાનને ભારતના સપ્લાયર તરીકે લગભગ ક્યાંયનું પણ નથી રહેવા દીધું એમ કહીએ તો ચાલે.
 
બે મોટા દેશોની પકડ
 
ભારત પોતાની જરૂરીયાતના 80 ટકા ક્રૂડઑઈલની આયાત કરતો દેશ છે. અગાઉ પુરવઠો પૂરો પાડવામાં સાઉદી અરેબિયા અને ઈરાનનો દબદબો હતો.
 
આજે ઇરાક પહેલા નંબરે આવ્યું છે અને નાઇજીરીયા જેવો આફ્રિકન દેશ પણ એક અગત્યનો સપ્લાયર બન્યો છે.
 
પહેલાં ઑઈલ શોક વખતે અમેરિકા ક્રૂડનું મોટામાં મોટું આયાતકાર હતું, પરંતુ આજે એ વિશ્વનું મોટામાં મોટું ઉત્પાદક બન્યું છે અને ભારતને લાગેવળગે છે, ત્યાં સુધી અમેરિકા ભારતને ક્રૂડનો પુરવઠો પૂરું પાડનાર એક મહત્વના રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યું છે.
 
અમેરિકા અને નાઈજીરિયા દાખલ થતાં ઈરાન વિદાય થયું અને ઇરાકે સાઉદી અરેબિયાને પછાડીને પ્રથમ સ્થાન મેળવ્યું.
 
અને એ રીતે ઑપેક દેશોનું પ્રભુત્વ હતું તે કઇંક અંશે તૂટ્યું છે અને ક્રૂડ ઑઇલના વ્યાપારમાં અમેરિકા જેવો એક મોટો પ્લૅયર ઉમેરાયો છે.
 
રશિયા તો છે જ. આમ આવનારા સમયની ઉર્જાપરિસ્થિતિ ઉપર બે મોટા દેશોની પકડ વધતી જશે તેવું અત્યારે લાગે છે.