શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 11 નવેમ્બર 2021 (13:13 IST)

ઘરે ઘરે રંગોળી કરીને વીરપુરમાં જલારામ 222 મી જન્મ જયંતીની ઉજવણી કરાઇ

સંત શિરોમણી જલારામ બાપાની આજે 222 મી જન્મ જયંતી છે. ત્યારે કોરોના મહામારીમાં વીરપુર ધામમાં સાદાઈથી ઉજવણી કરવામાં આવી રહી છે. કોરોના બાદ આજે પ્રથમ વખત જલારામ જયંતીની ઉજવણી થઈ રહી છે. ત્યારે જલારામબાપાના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 
 
ગત વર્ષે કોરોના કાળને કારણે આ ઉજવણી થઈ શકી ન્હોતી ત્યારે ભક્તોમાં આ વર્ષે ઉજવણીનો અભૂતપૂર્વ ઉત્સાહ  જોવા મળ્યો છે અને ગામેગામ, શહેરે શહેરમાં મહાપ્રસાદ, શોભાયાત્રા, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા છે. 
 
દેશ અને વિદેશમાંથી બાપાના ભક્તો વીરપુરમાં ઉમટી પડ્યા છે. મોડી રાતથી ભક્તો દર્શન કરવા માટે ભક્તોની લાઇનો લાગી છે. વીરપુર ગામમાં પણ અનેરો ઉત્સાહ જોવાઈ રહ્યો છે.સૌ ભક્તોએ મંદિરે પહોંચી પૂજ્ય જલારામબાપાના દર્શન કરી નવું વર્ષ કોરોના મુક્ત બને અને સમગ્ર વિશ્વનું આરોગ્ય સારૂ રહે તેવી પ્રાર્થના કરી હતી.
 
ત્યારે આજે વીરપુરની અંદર ગામમાં લોકોએ ઘરે ઘરે રંગોળી કરીને જયંતીની ખાસ બનાવી છે. દરેક ઘરની બહાર આકર્ષક રંગોળી જોવા મળી રહી છે. જયંતીને લઈને વીરપુરવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. લોકોએ ઘરે ઘરે આસોપાલવના તોરણ બાંધ્યા છે. 
 
કોરોનાકાળ બાદ આજે તેમની 222મી જન્મજયંતી હોઈ દેશના ખૂણેખૂણેથી ભક્તો વીરપુર આવ્યા છે. જલારામ બાપાની જન્મજયંતીએ પદયાત્રા કરીને આવનારા ભક્તોનો વર્ગ મોટો છે, ત્યારે આજે સવારથી જ મંદિરમાં માથુ ટેકવવા પહોંચ્યા હતા. હજી પણ ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ જ છે. વહેલી સવારે પૂજ્ય બાપાના મંદિરે દર્શન કરવા દર્શનાર્થીઓની લાંબી કતારો લાગી હતી.