શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 31 જુલાઈ 2018 (12:31 IST)

નવરાત્રિ વેકેશનમાં કોઇ ફેરફાર નહીં, દિવાળી વેકેશનમાં ઘડાડો થશે

ગુજરાતની ભાજપ સરકારે નવરાત્રિના નવ દિવસ શાળા-કોલેજોમાં વેકેશન રાખવાની કરેલી જાહેરાત અંગે ભારે વિવાદ સર્જાયો છે. બીજી તરફ શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, કોલેજોની સાથે હવે શાળાઓમાં પણ નવરાત્રિના વેકેશન અંગે શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેએ જાહેરાત કરી છે તેમાં ફેરફારની શક્યતા નથી. જોકે, નવરાત્રિ પછી શરૂ થનારી પરીક્ષાના કાર્યક્રમ અંગે જરૂર પડ્યે ફેરફાર કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે વડોદરામાં પણ આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી કે, નવરાત્રિના વેકેશન અંગે ફેરવિચારણા કરવાની જરૂર નથી. સામાન્ય રીતે શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે એડેકેમિક કેલેન્ડરની તૈયારી કરવામાં આવતી હોય છે. ૨૦૧૮-૧૯ માટેના એકેડેમિક કેલેન્ડરની જૂન મહિનામાં જાહેરાત કરાઇ ત્યારે જ શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું હતું કે, કોલેજોમાં પ્રથમ સત્રમાં ૯૫ દિવસ અને બીજા સત્રમાં ૧૦૨ દિવસનું શૈક્ષણિક કાર્ય કરવાનુનં રહેશે. નવરાત્રિ માટે સાત દિવસનું વેકેશન રહેશે જેમાં રવિવારની રજાઓ ઉમેરાય તો નવ દિવસનું વેકેશન રહેશે. આની સામે દિવાળીનું ૨૧ દિવસનું વેકેશન ઘટીને ૧૪ દિવસનું રહેશે. રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં શૈક્ષણિક એકસૂત્રતા જળવાય એ હેતુથી વાઇસ ચાન્સેલરોની એક કમિટી દ્વારા અભ્યાસ કરીને સુપરત કરાયેલા કોમન એકેડેમિક કેલેન્ડરમાં ધો.૧૨ની પ્રવેશ પરીક્ષાની પ્રક્રિયા, પરિણામ જાહેર થયાના પંદર દિવસ એટલે કે મહત્તમ ૧૫ જૂન સુધીમાં પૂર્ણ કરવાની રહેશે એમ નક્કી કરાયું હતું. પ્રથમ સત્ર પરીક્ષાના સમય સિવાય ૯૫ દિવસ અને બીજું સત્ર ૧૦૨ દિવસનું રહેશે. જોકે, બે દિવસ પહેલાં શિક્ષણ રાજ્યમંત્રીએ કોલેજોની સાથે શાળાઓમાં નવરાત્રિનું વેકેશન રાખવાની જાહેરાત કર્યા પછી કેટલીક શાળાઓએ તેનો વિરોધ કરતાં વિવાદ ઊભો થયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટમાં ચારસો ખાનગી શાળાઓએ આ વેકેશનનો વિરોધ કર્યો છે બીજી તરફ સુરતમાં સેલ્ફ ફાયનાન્સ શાળા સંચાલકોએ બેઠક યોજીને નવરાત્રિ દરમિયાન શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવાની જાહેરાત કરી છે.