રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 12 નવેમ્બર 2021 (10:34 IST)

અમદાવાદમાં કોરોના બોમ્બ ફૂટ્યો, દિવાળીમાં બહાર ફરીને પરત ફરતા લોકોના ટેસ્ટ કરાશે

અમદાવાદ,  દિવાળી પછી કોરોનાના કેસોમાં અચાનક વધારો નોંધાયો છે. અમદાવાદની જ વાત કરીએ તો, લોકો મોટી સંખ્યામાં હવે દિવાળીની રજાઓ માણીને બહારગામથી પરત ફરી રહ્યાં છે, ત્યારે કોરોના વધુ ના વકરે તે માટે તંત્ર સફાળું જાગ્યું છે. કોર્પોરેશન દ્વારા રેલવે સ્ટેશન, એસટી સ્ટેન્ડ ઉપરાંત, શહેરના એન્ટ્રી પોઈન્ટ્‌સ પર ફરી સઘન ચેકિંગ કરવાની કામગીરી શરુ કરવાની તૈયારી કરી લીધી છે.
 
કાળુપુર રેલવે સ્ટેશન પર પણ આજે કેટલાક મુસાફરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા, તેમજ વેક્સિનેશન કેમ્પ પણ ઉભો કરવામાં આવ્યો હતો. શહેરમાં એએમટીએસ તેમજ બીઆરટીએસના સ્ટેન્ડ પર પણ ટેસ્ટિંગ કરવામાં આવશે તેવું કોર્પોરેશનના સૂત્રોનું કહેવું છે.
 
એટલું જ નહીં, જે લોકો હાલના દિવસોમાં કોરોના પોઝિટિવ આવી રહ્યા છે, તેઓ કોના-કોના સંપર્કમાં આવ્યા છે તેનું પણ સઘન કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવશે, જેથી કોરોના વધુ ના વકરે.
 
આ ઉપરાંત,  ગુજરાત માટે એક ચિંતાજનક વાત છે. બીજો ડોઝ લેવામાં 32 % લોકો બેદરકાર રહ્યા છે. ત્યારે  આશા વર્કર સહિત સ્થાનિક ટીમો કામે લગાડી લોકોને બીજો ડોઝ અપાશે. પહેલા ડોઝમાં 92% કામગીરી થઈ છે, બાકીની 8% પણ ઝડપથી પૂર્ણ કરાશે.
 
તંત્ર દ્વારા વેક્સિનેશનની કામગીરી પણ પૂરજોશમાં ચલાવાઈ રહી છે. ખાસ કરીને જે લોકોને બીજો ડોઝ બાકી છે તેવા લોકોને ઝડપથી કવર કરી લેવા તંત્રએ કવાયત શરુ કરી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના જણાવ્યા અનુસાર, હજુ 32 લાખ લોકોએ સમય વિતિ ગયા બાદ પણ સેકન્ડ ડોઝ નથી લીધો.
 
10 ઓક્ટોબરના રોજ ગુજરાતમાં નવા 42 કેસ નોંધાયા હતા, જે છેલ્લા 122 દિવસનો સૌથી ઉંચો આંકડો છે. રાજ્યમાં 24 કલાકમાં કેસ બમણા થયા છે, જ્યારે અમદાવાદમાં તો ચાર ગણા વધ્યા છે. જુલાઈ મહિનાથી રાજ્યમાં કોરોનાના નવા કેસનો આંકડો ખૂબ જ નીચે આવવાનો શરુ થયો હતો. તેમાંય 14 જુલાઈએ તો તે 40ની નીચે પહોંચી ગયો હતો.
 
પરંતુ 10 નવેમ્બરે તેણે ૪૦ની સપાટી તોડી હતી. ઉલ્લેખનીય છે કે, દિવાળીના તહેવારોમાં બજારોમાં ભારે ભીડ ઉમટી હતી. જેમાં મોટાભાગના લોકો માસ્ક પહેરવાનું ટાળતાં હતાં, અને સોશિયલ ડિસ્ટન્સિંગનો સદંતર અભાવ જોવા મળતો હતો. જેને પરિણામે હવે કોરોનાના કેસમાં ધીમો વધારો દેખાઈ રહ્યો છે.
 
અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થયો છે. અમદાવાદ કોર્પોરેશનમાં 14 કેસ નોધાયા છે, ત્યારબાદ અનુક્રમે વડોદરા કોર્પોરેશનમાં 6, સુરત કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશન અને સુરતમાં 3-3 કેસ નોંધાયા છે. આ સિવાય જૂનાગઢ અને  વલસાડમાં 2-2 કેસ નોંધાયા છે. જ્યારે અમરેલી, ગીર સોમનાથ, ખેડા, મોરબી, નવસારી, સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો છે.