ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 14 ડિસેમ્બર 2021 (12:47 IST)

પ્રિયંક પંચાલની ટીમ ઇન્ડીયા માટે પસંદગી, અંડર 19 દરમિયાન જ રણજીમાં ડેબ્યૂ, ગુજરાત તરફથી ટ્રિપલ સેન્ચરી ફટકારનાર પ્રથમ ખેલાડી

દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે રોહિત શર્માની જગ્યાએ પ્રિયંક પંચાલની ટેસ્ટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. પ્રિયંકે અંડર-19 રમતા રમતા ગુજરાત માટે રણજીમાં ડેબ્યૂ કર્યું હતું. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી અનિલ પટેલે જણાવ્યું કે પ્રિયંક પંચાલ ગુજરાતના અમદાવાદનો રહેવાસી છે. તેણે અંડર-14, અંડર-16, અંડર-19 દ્વારા રણજીમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે.
 
તે અંડર-19 રમતી વખતે જ ગુજરાતની રણજી માટે રમ્યો હતો. તે ખૂબ જ પ્રતિભાશાળી ખેલાડી છે. છેલ્લી વખત જ્યારે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જઈ રહી હતી ત્યારે તેને પણ ઈન્ડિયા કેમ્પમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ ડેન્ગ્યુના કારણે તેનું નામ કપાઈ ગયું હતું. આ વખતે તેને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે સામેલ કરવામાં આવશે તેવી અપેક્ષા હતી, પરંતુ ઈજાના કારણે તેને ભારતીય ટીમમાં  સિલેક્ટ થતાં રહી ગયો. 
 
પ્રિયંક ડોમેસ્ટિક ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનાર ગુજરાતનો પ્રથમ ખેલાડી પણ છે. તેણે 2016માં પંજાબ સામે 314 રન બનાવ્યા હતા. આ તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર પણ છે. તે જ સમયે, 100 ફર્સ્ટ ક્લાસ મેચોમાં, તેણે 24 સદી અને 25 અડધી સદીની મદદથી 7011 રન બનાવ્યા છે. તેની એવરેજ 45.52 રહી છે. 75 લિસ્ટ A મેચોમાં પ્રિયંકે 40.19ની એવરેજથી 2854 રન બનાવ્યા છે, જેમાં 5 સદી અને 18 અડધી સદી સામેલ છે.
 
પ્રિયંક પંચાલનો જન્મ 9 એપ્રિલ 1990ના રોજ અમદાવાદ (ગુજરાત)માં થયો હતો. તે પ્રથમ વખત 2003-04માં ચર્ચામાં આવ્યો હતો, જ્યારે તે અંડર-15માં પોલી ઉમરીગર ટ્રોફીની બે સીઝનમાં રમતા જોવા મળ્યો હતો. આ પછી, અંડર-17 તરફ આગળ વધીને, તેણે વિજય મર્ચન્ટ ટ્રોફીની તેની પ્રથમ સિઝનમાં સદી ફટકારીને બધાનું ધ્યાન ખેંચ્યું. આ પછી, ફેબ્રુઆરી 2008માં, તેણે ઘરેલું ODI (લિસ્ટ-A) ક્રિકેટમાં પદાર્પણ કર્યું અને વિજય હજારે ટ્રોફીની તેની પ્રથમ મેચમાં સદી ફટકારીને બધાના દિલ જીતી લીધા.
 
પ્રિયંક રણજીમાં ગુજરાત માટે એક સિઝનમાં 1000થી વધુ રન બનાવનાર ખેલાડી પણ બન્યો હતો. તે 2016-17ની તે સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર (1310) પણ બન્યો હતો.